પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 98 છાત્રોને સેમેસ્ટરની સજા મળી

રાજકોટ, તા. 31
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતીમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સમિતિએ 100 છાત્રોને બોલાવ્યા હતાં. જેમાંથી 67 છાત્રો ગેરહાજર હતાં. સમિતિ દ્વારા 4 છાત્રો સામે ગંભીર આરોપ હોવાથી તેમની સામે કડક કાર્યવાહી કરી છે. અને પરીક્ષા પર પ્રતિબંધ મુકયો છે. જયારે 94 છાત્રો સામે એક સેમેસ્ટર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવેની અધ્યક્ષતામાં પરીક્ષામાં કોપીકેસ કરતા છાત્રોનું હિયરીંગ રાખવામાં આવ્યુ હતું. એપ્રિલ 2018 માં બી.એ.અને બી.કોમ.ની પરીક્ષામાં ચોરી કરતા 100 છાત્રોને બોલાવ્યા હતાં. જેમાંથી માત્ર 37 છાત્રો એકઝામિનેશન ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર રહ્યા હતાં. બેઠકમાં વિદ્યાર્થી ઘરેથી પુરક ઉતરવાહી લખીને બીજા દિવસે રજૂ કરનારા રાકેશ જગદીશ છાછલા (અમરેલી) પેપર તપાસતા ઉતરવાહી અને સપ્લીમાં અક્ષર જુદા જુદા હોવાનું બહાર આવતા જોષી ચેતના નવલશંકર (રાજુલા), ઝેરોક્ષ કાપલી સાથે પકડાયેલા અને સુપરવાઈઝર સાથે ઝપાઝપી કરનાર પરમાર રવિરાજસિંહ (સુરેન્દ્રનગર) અને અને બાથરૂમ જવાની ના પાડતા માથાકુટ કરી ઉતરવહી ફાડી નાખનાર યુવરાજસિંહ ડોડિયા (સુરેન્દ્રનગર) સામે કડક કાર્યવાહી કરી 6 સેમ.ની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકયો છે. બાકી 94 વિદ્યાર્થીઓ સામે એક પ્લસ એક એટલે કે જે પરીક્ષા આપી તે અન્ય એક પરીક્ષા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.