ખીરસરા જીઆઈડીસીમાં પ્રતિ ચો.મી.નાં 820 રૂા.નકકી કરાયા

રાજકોટ તા.31
રાજકોટ નજીક સૌરાષ્ટ્રની સૌથી મોટી લોધીકા જીઆઇડીસી બનાવવા માટે જીલ્લા કલેકટરે જીઆઇડીસીને 96 હેકટર જમીન ફાળવી દીધી છે અને આ જમીન માટે કલેકટર દ્વારા પ્રતિ ચો.મી. રૂા.8ર0 ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ખીરસરા જીઆઇડીસીનું ક્ષેત્રફળ વધારાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જીઆઇડીસી દ્વારા સૌપ્રથમ 1રપ હેકટર જમીન માંગવામાં આવી હતી. તેમાં કલેકટર તંત્ર દ્વારા ઉપલબ્ધ 96 હેકટર જમીન ફાળવી દેવામાં આવી છે.
જીઆઇડીસીએ જમીન માટે સૌપ્રથમ પ1 કરોડ જમા કરાવી દીધા હતા. દરમ્યાન જીલ્લા કલેકટર દ્વારા આગોતરા જમીનનો કબ્જો સોપી દેવામાં આવ્યો છે. તદુપરાંત જીઆઇડીસી દ્વારા વધારાના 6પ કરોડની રકમ ભરતા કુલ 116 કરોડમાં 96 એકર જમીન જીઆઇડીસીને ફાળવી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગીક પોલીસીમાં ફેરફાર કરવામાં આવતા નવી પોલીસી મુજબ જીઆઇડીસીને જમીન ફાળવણી કરવામાં આવી છે. ખીરસરામાં જીઆઇડીસી માટે કુલ 314 હેકટર જમીન માગવામાં આવી હતી પરંતુ આટલી બધી જમીન ઉપલબ્ધ ન હોવાથી પ્રથમ તબક્કામાં 96 હેકટર જમીન આપવામાં આવી છે.
ખીરસરા જીઆઇડીસીની જમીનનું વેલ્યુએશન પ્રતિ ચો.મી. 8ર0 રૂા.નક્કી કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર દ્વારા આ ભાવને ફાયનલ કરી રાજ્ય જંત્રી મુલ્યાંકન સમિતિ સમક્ષ દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ખીરસરા જીઆઇડીસીનું ક્ષેત્રફળ વધતા આગામી દિવસોમાં નવા અને મોટા ઔદ્યોગીક એકમો આવશે. કલેકટર તંત્ર દ્વારા 96 હેકટર જમીન અપાતા હવે જીઆઇડીસી દ્વારા પ્લોટીંગ પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને જે ઔદ્યોગીક એકમો આવશે તેઓને જરૂરીયાત મુજબ પ્લોટ ફાળવવામાં આવશે.