જયુબેલી માર્કેટ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ

  • જયુબેલી માર્કેટ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ
    જયુબેલી માર્કેટ પાસે મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ

રાજકોટ તા.31
રાજકોટ શહેરમાં વારંવાર પીવાના પાણીની લાઇનો તુટી રહ્યાના બનાવો બની રહ્યા છે જેમાં ખાસ કરીને જુના રાજકોટમાં આવેલ વર્ષો જુની પાણીની લાઇનો તુટવાના બનાવો બનતા વારંવાર લોકોને તરસ્યા રહેવું પડે છે. તેવી જ રીતે આજરોજ જ્યુબીલી શાક માર્કેટ સામે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન ધડાકા સાથે તુટી જતા મ્યુનિ. કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જ્યુબીલી શાક માર્કેટ પાસે પાણની લાઇન તુટવાની ઘટના સવારે સાત વાગ્યે બની હતી. તંત્ર દ્વારા તાત્કાલીક રીપેરીંગની કામગીરી હાથ ધરતા બપોરે 1ર વાગ્યે પાણી વિતરણ પુન: શરૂ કરવામાં આવ્યું હતું. વોટર વર્કસ વિભાગના જણાવ્યા મુજબ લાઇન જુની હોવાના કારણે સવારે સાત વાગ્યે પ્રેશર વધી જતા લાઇનમાં ભંગાણ થયું હતું. પરીણામે વોર્ડ નં.3 અને 7 ના અનેક વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી આપવામાં આવતું પાણી વિતરણ ખોરવાય ગયું હતું. બપોરે 1ર વાગ્યે સમારકામ પૂર્ણ થતા જ્યુબીલી ઝોનમાંથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું અને આ બાબતે વોટર વર્કસ વિભાગે જણાવેલ કે બપોરે 1ર વાગ્યા પછી જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે તેવા તમામ વિસ્તારોમાં સમયસર પાણી વિતરણ થશે. આજે જ્યુબીલી શાકમાર્કેટ ખાતે મુખ્ય પાણીની પાઇપલાઇન તુટી હતી. જેના દ્વારા વોર્ડ નં.3 અને 7 માં પાણી વિતરણ થતું હોવાનું વોટર વર્કસ વિભાગે જણાવ્યું હતું. જ્યારે તંત્રએ જણાવેલ કે જુના રાજકોટમાં અનેક પાણીની લાઇનો વર્ષો જુની હોવાથી વારંવાર પ્રેશરના કારણે લાઇનો તુટી પડે છે પરંતુ આગામી દિવસોમાં તમામ સ્થળે ડીઆઇ પાઇપ આવી જશે ત્યારબાદ આ સમસ્યા ફરી વખત નહીં સર્જાય.