ધોરાજીમા પ્લાસ્ટીક વેસ્ટ બાળવાથી થતું પ્રદુષણ અટકાવવા ઉઠી માંગ

  • ધોરાજીમા પ્લાસ્ટીક વેસ્ટ બાળવાથી થતું પ્રદુષણ અટકાવવા ઉઠી માંગ
    ધોરાજીમા પ્લાસ્ટીક વેસ્ટ બાળવાથી થતું પ્રદુષણ અટકાવવા ઉઠી માંગ

ધોરાજી,તા.31
ધોરાજી શહેરનાં વ્હોરા સમાજના કબ્રસ્તાન તેમજ બાળકોના સ્મશાન નજીક પ્લાસ્ટીકના કારખાનામાંથી નિકળતો કચરો અને પ્લાસ્ટીક વેસ્ટ બાળવામાં આવતો હોવાની ફરીયાદોને ધ્યાને લઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધીકારી જે.ડી. ગોસ્વામી દ્વારા ધોરાજી પ્લાસ્ટીક એશો. દ્વારા પ્રદુષણ અટકાવવા લેખીત પત્ર પાઠવાયો હતો.
જેમા જણાવેલ કે પ્લાસ્ટીક વેસ્ટ જાહેરમાં બાળવામાં તેમજ અનધીકૃત જગ્યાએ નિકાલ કરવાથી પ્રદુષણ ફેલાતુ હોય આથી પ્લાસ્ટીક ઉદ્યોગ-ઉત્પાદનમાં સંકળાયેલા સભ્ય એકમોને જરૂરી માર્ગદર્શન સુચનાં આપવી તેમજ જો કોઈ આવું કૃત્ય કરતા હોય તો કસુરવાર સામે પર્યાવરણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી થવા જાણ કરાયેલ હતી.ઉપરોકત પ્રશ્ર્ને ધોરાજી પ્લાસ્ટીક એશો. પ્રમુખ દલસુખભાઈ વાગડીયા, ગોપાલભાઈ રાખોલીયા, સહીત પ્લાસ્ટીક એકમ ધારકો ધોરાજી નગરપાલીકા ચીફ ઓફીસરને રજુઆત કરતાં જણાવેલ કે ધોરાજીમા જી.આઈ.ડી.સી. આવેલ નથી. કારખાના છુટા-છવાયા છે. નાના-મોટા ઉદ્યોગોને મળતી સુવિધા અમોને પ્રાપ્ત નથી.તેમજ ધોરાજી પ્લાસ્ટીક એકમોમાં રીસાયકલ પ્રોસેસ થાય છે. સમગ્ર દેશમાંથી એકત્રીત થતો કચરો ધોરાજી રીપ્રોસેસ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય કરે છે. પરોક્ષ રીતે સ્વચ્છતાં અભીયાનનું કાર્ય જ થઈ રહ્યું છે. આથી ધોરાજી નગરપાલીકા દ્વારા નકામી- ફાઝલ જમીન ફાળવવામાં આવે તો પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ કરવો સરળ રહે. ચીફ ઓફીસર બી.યુ.જાડેજાએ જણાવેલ કે પ્લાસ્ટીક એશો.દ્વારા કરાયેલ માંગણી પરત્વે હકારાત્મક અભીગમ રખાયો છે. નગરપતી ડી.એલ.ભાષા તેમજ પદાધીકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સંભવત પ્રશ્ર્નનો ઉકેલ કરવાની દીશામાં અમારા પ્રયાસો પ્રમાણીક રહેશે.
હાલ એક તરફ ભાદરમાં કેમીકલયુકત પાણી પ્રશ્ર્ને લડાઈ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ધોરાજીમાં પ્લાસ્ટીક પોલ્યુશનનો મામલો ઉઠી રહ્યો છે. ત્યારે સરકારે તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રજાલક્ષી નિર્ણયો લેવાઈ તે વ્યાજબી અને ઉચીત રેહશે.