સોમનાથ જિલ્લામાં 45990 બાળકોને રસીકરણથી આરક્ષીત

વેરાવળ તા.31
તા.16 જૂલાઇથી શરૂ કરાયેલ ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ગીર-સોમનાથ જિલ્લાના નવ માસથી પંદર વર્ષનાં 45990 બાળોકોને ઇન્જેકશન દ્વારા રસીકરણથી આરક્ષિત કરાયા છે. આ રસીથી બાળકોને હાની પહોંચે છે, આડઅસર થાય છે. તેવા ગેરમાર્ગે દોરતા અહેવાલોનું ખંડન કરી ગીર-સોમનાથ જિલ્લાનાં બાળ રોગ નિષ્ણાંત ડોકટરોએ સ્કુલે જઇ પોતાના બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાવી બાળકોનાં ભવિષ્યને સુરક્ષિત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.16 જુલાઇથી શરૂ કરાયેલ અભિયાનમાં ભારે વરસાદમાં કામગીરી બંધ રાખવા છતા 45990 બાળકોને રસીથી આરક્ષિત કરાયા છે અને જિલ્લાનું 9 માસથી 15 વર્ષનું એક પણ બાળક ઓરી રૂબેલા રસીથી વંચિત ના રહે તેવા આરોગ્ય વિભાગનાં પ્રયાસો છે. ઓરીથી દરવર્ષે દેશમાં 40 હજાર જેટલા બાળકોના મૃત્યું થાય છે. જેમાંના મોટાભાગનાં બાળકોએ ઓરીની રસી લીધેલી હોતી નથી. રૂબેલા એટલે નુરબીબી વાઇરસ જો સગર્ભા માતાને લાગી જાય તો તેને ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે. વળી ગર્ભસ્થ બાળક ખોડખાપણ અને મંદબુધ્ધીવાળું પણ જન્મી શકે છે. આ રોગને અટકાવવા તમામ બાળકોને રસી આપી દેશમાંથી આ વાઇરસનો પગપેસારો અટકાવવાં સાથે તેનો નિકાલ કરવો જરૂરી છે.