સોમનાથ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તાલાળાગીરમાં થશે ઉજવણી

વેરાવળ તા.31
ગીર-સોમનાથ જિલ્લાનાં તાલાળા ખાતે જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે આજે જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં આગામી તા.15 ઓગષ્ટની ગરીમાપૂર્ણ ઉજવણી કરવા સુચારૂ આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રભાત ફેરી, પ્રદર્શન સ્ટોલ સહિતનાં કાર્યક્રમોનાં આયોજન માટે જિલ્લા કલેટર એ સબંધિત વિભાગનાં અધિકારીઓને માર્ગદર્શન આપેલ હતું.
ડોમીસાઈલ સર્ટીફીકેટની ચકાસણી
ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના 58 વિધાર્થીઓ માટે ડોમીસાઈલ સર્ટીફીકેટ ચકાસણી કેમ્પ તા.06-08-2018 ના રોજ સવારે અગીયાર થી પાંચ કલાકે સુધી નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, તુલસીધામ સોસાયટી ગીરગઢડા રોડ ઉના ખાતે યોજાનાર છે.
ચાલુ વર્ષે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમીયોપેથીક અને નેચરોપેથી પ્રવેશ માટે જે વિધાર્થી ગુજરાત રાજ્યનો ડોમીસાઈલ હોય તેને પ્રવેશ આપવા સંદર્ભે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોસ (એ.સી.પી.યુ.જી.એમ.ઇ.સી.) ની પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિધાર્થીઓના ડોમીસાઈલ સર્ટીફીકેટની ચકાસણીની કામગીરી માટે ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના વિસ્તાર માટે સમિતિની રચના કરવામાં આવેલ છે. ડોમીસાઈલ સર્ટીફીકેટ ચકાસણીના બીજા તબક્કાની કામગીરીના સબંધિતોએ તેઓના ડોમીસાઈલ સર્ટીફીકેટ અને જરૂરી આધાર-પુરાવાઓ (ડોમીસાઈલ સર્ટીફીકેટ મેળવવાની અરજી કરતી વખતે રજુ કરવામાં આવેલ તમામ દસ્તાવેજો) સાથે ઉપસ્થિત રહેવા પ્રાંત અધિકારી ઉનાની યાદીમાં જણાવેલ છે.
મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાશે
ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત તા.1 ઓગસ્ટના રોજ સવારે સાડા નવ કલાકે વેરવળ-પાટણ દરવાથી પોલીસ એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી રવામાં આવનાર છે જેમાં મહિલાઓને સેલ્ફ ડીફેન્સફાઈટ, મહિલાઓએ પોતાનો બચાવ કેવી રીતે કરવો, જુડો કરાટે ફાઈટ, નળીયા, લાદી, બાઈક, માટલા સળગતી રીંગમાંથી પસાર થવુ સ્ટન્ટ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમારની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં વેરાવળ સીટી પોલીસની મહિલા, જી.આર.ડી.મહિલા, મહિલા સુરક્ષા સમિતિની બહેનો તેમજ શાળા કોલેજોની વિધાર્થીનીઓ સહભાગી થનાર છે અને એડવોકેટ પ્રજાપતિ દ્વારા બેટી બચાવો અંગે વકતવ્ય પણ આપનાર છે.