જુનાગઢમાં ભણતરના ભારથી આશાસ્પદ યુવાનનો આપઘાત

જુનાગઢ તા.31
જુનાગઢમાં ભણતરના ભારથી એક યુવાને આપઘાત કરી લેતા પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જુનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ વૃજલાલભાઈ પાનસુરીયાનો દીકરો કેયુર (ઉ.24) છેલ્લા ઘણા મહીનાઓથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો ત્યારે ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતનો માર્ગ લીધો હોવાની પોલીસ દફતરે નોંધ થવા પામેલ છે. ભણતરના ભારથી માનસીક રીતે ચલીત થઈ જનાર કેયુરના આપઘાતથી પાનસુરીયા પરીવાર શોકમાં ડુબી ગયો છે ત્યારે પટેલ સમાજના આશાસ્પદ યુવાનના મૃત્યુના સમાચારથી ઘેરી શોકની લાગણી પ્રવર્તી છે.
નીચે પટકાતા મોત
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢના ભવન વિસ્તારમાં આવેલી આસોપાલવ હોટેલના બીજા માળેથી આજ સાંજના સમયે કાળુ વર્મા (ઉ.21) નામનો યુવક પટકાતા તેનું મોત નીપજવા પામ્યુ હતું. આ અંગે ભવનાથ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
ચોરી
શહેરના બીલખા રોડ ઉપર આવેલ ઔદ્યોગીક તાલીમ સંસ્થાની પાછળની દીવાલ ટપી વર્કશોપની પાછળ આવેલ લોખંડની ગ્રીલ તોડી વર્કશોપમાં ફીટ કરેલી નાની મોટી ઈલેકટ્રીક મોટર નંગ 12 અને 1 જુનો વોટર પંપ મળી કુલ રૂા.24,400ના મુદામાલની કોઈ તસ્કરે ચોરી કરી લઈ ગયો હતો.
અકસ્માતમાં મોત
કેશોદથી 10 કીમી દુર માણેકવાડા પાસે બાઈક સવાર વજુભાઈ સોલંકીને અજાણ્યા આઈસર ટેમ્પાએ હડફેટે લેતા તેમનું મોત થયુ છે. માણાવદરમાં ટ્રેકટર નં. જીજે 3 સીએલ 2791ના ચાલકે પોતાના હવાલાનું ટ્રેકટર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી માણાવદરના નાકરા ગામના અમરશીભાઈ પરમારનું મોટર સાયકલ હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં અમરશીભાઈનું મોત નીપજવા પામ્યુ હતું.
દારૂ
જુનાગઢના ઉપરકોટ નજીક રહેતા વિશાલ હરેશગીરી ગૌસ્વામીએ તેના વિસ્તારમાં આવેલ વિપુલભાઈ મનસુખભાઈ કારેણાના બંધ મકાનમાં દારૂ રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસ રેઈડ પાડતા બંધ મકાનમાંથી રૂા.50,400ની કીંમતની ઈંગ્લીશ દારૂની 144 બોટલો મળી આવતા પોલીસે કબજે લઈ વિશાલ ગૌસ્વામી સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.