હળવદના ઇસનપુર ગામે પતિની હત્યામાં પત્ની, પ્રેમીને આજીવન કેદ

મોરબી તા. 27
મોરબીના હળવદના ઇસનપુર ગામમાં આડાસંબંધમાં આડખીલી બની રહેલ પતિને પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યું હતું અને હત્યા નીપજાવવામાં આવી હોય જે હત્યા કેસમાં આજે મોરબી ડીસ્ટ્રીકટ જજે હત્યારી પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા અને 7000 રૂપિયાનો દંડ ફતકર્તા ખળભળાટ મચી જવા પામ્યો છે
મોરબી જીલ્લાના હળવદના ઇસનપુર ગામે રહેતા રણછોડભાઈ છગનભાઈ સોનાગ્રાની પત્ની ગંગાબેનને રમેશ ગંગારામ મોરી નામના યુવક સાથે આડાસંબંધ હોય જે આડાસંબંધો અંગે પતિને જાણ થતા દંપતી વચ્ચે ઝઘડાઓ પણ થતા હોય જેથી પ્રેમસંબંધમાં નડતરરૂપ બનેલા પતિને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરાયું હતું અને તા. 08-06-2016 ના રોજ પત્ની ગંગાબેને તેના પ્રેમી રમેશ મોરી સાથે મળીને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી અને મૃતદેહને કોથળામાં નાખી દેવળિયા નજીક ફેંકી દેવાયો હતો જે હત્યા પ્રકરણમાં પોલીસે હત્યારી પત્ની ગંગાબેન અને રમેશ મોરી એ બંનેની ધરપકડ કર્યા બાદ હત્યાનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આજે સેશન્સ જજ રીઝવાનાબેન ઘોઘારીએ સંયોગિક પુરાવાઓને ધ્યાને લઈને હત્યારી પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે તેમજ બંને આરોપીઓને 7000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે સરકારી વકીલ સંજયભાઈ દવે અને ધર્મેન્દ્રભાઈ આદ્રોજાની દલીલો અને સાંયોગિક પુરાવાઓને ધ્યાને લઈને જજે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.