ભાજપના કાર્યકરને હાર્ટ એટેક આવ્યોને નેતાઓ જોતા રહ્યા

  • ભાજપના કાર્યકરને હાર્ટ એટેક આવ્યોને નેતાઓ જોતા રહ્યા
    ભાજપના કાર્યકરને હાર્ટ એટેક આવ્યોને નેતાઓ જોતા રહ્યા

રાજકોટ તા,27
ભાજપની સત્તાલાલસામાં માનવતા જ મરી પરવારી હોય એવા એક ગંભીર બનાવને પગલે આજે રાજકોટમાં ભાજપ પર ફિટકારની લાગણી વરસી પડી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા ખૂંચવતા પહેલા સમિતિઓ છીનવી લેવાના આજના નાટકીય ઉપક્રમ વચ્ચે ભાજપ અગ્રણી, શહેર યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ તાળાને હાર્ટએટેક આવી ગયો હતો, અને સહુની દેખતાં જ એ જીવ ગુમાવી રહ્યા હતા છતાં
ભાજપના એક પણ આગેવાને તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પોતાની કાર લઈને આગળ આવવાની તસદી પણ લીધી ન્હોતી ; તાળાને ત્રણ કાર્યકરોએ રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ જવા પડ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યોને ફોડીને ગાંધીનગર, ત્યાંથી રાજસ્થાન અને છેલ્લે ગોંડલ લઈ જવાયા તે પછી આજે બસમાં રાજકોટ લવાયા હતા. વર્ષ 2000માં શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ રહી ચૂકેલા અને હાલ સક્રિય કાર્યકર એવા રમેશભાઈને આ ‘સભ્યો’ને સાચવી અંદર મોકલવાની જવાબદારી સોંપાઈ હતી. આજે સવારે 10-30 આસપાસ કોંગ્રેસના બગાવતી સભ્યોને જિલ્લા પંચાયત લઈ અવાયા ત્યારે તાળા બસમાંથી સભ્યોને ઉતારીને કતાર કરાવતા હતા ત્યાં જ 10-45 આસપાસ ભાજપ કોંગ્રેસના અનેક આગેવાનોની દેખતા જ તેઓ ઢળી પડ્યા હતા અને થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
આ સમયે જિલ્લા પંચાયત સંકૂલમાં ભાજપના અનેક અગ્રણીઓ મોજૂદ હતા અને રૂપિયા 32 લાખની ફોર્ચ્યુનરથી માંડીને સવા કરોડની મર્સીડીઝ સુધીને સંખ્યાબંધ ગાડીઓ પણ પડી જ હતી છતાં સહૂને સત્તા ઝુંટવવાની તથા એ ડ્રામોમાં સહભાગી થવાની લાલસા એવી હતી કે તેમાં એ લોકો માનવતા જ ભૂલી ગયા અને પોતાના જ સક્રિય કાર્યકર ઢળી પડ્યા છતાં તેને સારવાર માટે લઈ જવા કોઈ નેતો પોતાની કાર લઈને આગળ આવ્યો ન્હોતો ! અલ્પેશ ઢોલરિયા, ચેતન રામાણી અને ગોંડલના એક કાર્યકરે ઓટોરિક્ષામાં રમેશભાઈને નાખીને સિવિલ પહોંચાડ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડુ થઈ ગયું હતું ! ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જિલ્લાના ટોચના ભાજપ નેતાઓએ રમેશભાઈને સારવાર ભેગા કરવાની માનવતા પણ ન દાખવતા ‘થૂ...થૂ..’ થઈ રહ્યું છે.