ગ્રાહકની સંમતિ વગર હવે કોલ્સ-મેસેજિસ નહીં આવે

નવી દિલ્હી, તા.20
લોકોને હવે અનિચ્છનીય ફોન-કોલ્સ અને મેસેજિસથી મુક્તિ મળશે. ટેલિકોમ નિયમનકારી સંસ્થા(ટ્રાઈ) દ્વારા ગુરુવારે લોકોને હેરાનપરેશાન કરનાર બોગસ અને અનિચ્છનીય ફોન-કોલ્સ તેમજ સ્પેમ મેસેજિસ બંધ કરવા માટે નવા નિયમોની જાહેરાત કરાઈ હતી, જેમાં ટેલિમાર્કેટિંગ મેસેજિસ મોકલવા માટે યૂઝર્સની સંમતિ ફરજિયાત કરાઈ છે. ટ્રાઈએ કહ્યું હતું કે, ટેલિકોમ ઓપરેટર્સે કોમર્શિયલ કોમ્યુનિકેશન ફક્ત રજિસ્ટર્ડ મેસેજ સેન્ડર્સ દ્વારા જ કરવાનું રહેશે. નવા નિયમોમાં મેસેજસેન્ડર્સ, હેડર્સ એટલે કે જુદી જુદી રીતે મેસેજને અલગ કરવાની સિસ્ટમ માટે રજિસ્ટ્રેશન અને ગ્રાહકની સંમતિ અનિવાર્ય બનાવવામાં આવી છે.
નવા નિયમ સંમતિ માટે ગ્રાહકોને સંપૂર્ણ અધિકારો આપે છે. તેઓ અગાઉ આપવામાં આવેલી સંમતિ પાછી ખેંચી શકે છે. જે લોકો નિયમોનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે. નિયમભંગની તીવ્રતાને આધારે રૂ. 1,000થી માંડીને રૂ. 50 લાખ સુધીનો દંડ કરી શકાશે.
દરેક ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ કોમ્યુનિકેશન માટે કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટ્રેશન ફેસિલિટી (ઈછઙઋ) સ્થાપિત કરવાની રહેશે અને ગ્રાહકોની સંમતિ મેળવવા માટે સુવિધા પૂરી પાડવાની રહેશે. પ્રમોશનલ મેસેજિસ મિક્સ ન થાય તે માટે ટ્રાઈએ જખજ અને વોઇસ કોમ્યુનિકેશન માટે રજિસ્ટર્ડ ટેમ્પ્લેટ્સનો અભિગમ દાખલ કર્યો છે. આમ કરવાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે. આધુનિક ટેક્નોલોજીથી ગ્રાહકોને ઓછા ખર્ચે વધુ સારી સુવિધા પૂરી પાડી શકાશે. દર મહિને આશરે 20થી 30 અબજ મેસેજિસ થતા હોય છે તેમાં ખોટા મેસેજિસનો ખર્ચ બચશે.