23મીથી CNG પમ્પોમાં હડતાળ

અમદાવાદ, તા.20
ગુજરાતમાં સીએનજી નેટવર્કની ગોઠવણ વધુ સારી હોવાના કારણે લોકોએ પોતાના વાહનોમાં સીએનજી કિટ ફિટ કરાવી છે અને સીએનજીનો ઉપયોગ કરતા વાહન ચાલકોને સીએનજી પેટ્રોલ અને ડીઝલ કરતા વધારે સસ્તો પડતો હોવાના કારણે સીએનજી કિટ વાહનોમાં ફિટ કરાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હવે આ આગામી દિવસોમાં સીએનજી વાહન ચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે કારણકે સીએનજી પમ્પ ધારકોના એસો. દ્વારા અચોક્કસ મુદ્દત માટે હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાલમાં સુરતના 35 સીએનજી પમ્પ અને દક્ષિણ ગુજરાતના 60 સીએનજી પમ્પ હડતાળમાં જોડાયા છે.
ગુજરાતમાં 23 જુલાઈથી સીએનજી પમ્પ ધારકો દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે. સીએનજી પમ્પ ધારકોના અસોસિએશન દ્વારા સરકાર સામે કમિશન સહિતની માગણી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ સાથે સીએનજીનું વેચાણ કરતા પીએસયુ પમ્પ ધારકોને કિલો દીઠ 3.11 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે ચૂકવામાં આવે છે, ફ્રેન્ચાઈઝી સીએનજીપમ્પ ધારકોને 2.60 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવે છે. સીએનજી પમ્પ ધારકોએ સરકાર સામે બંને પમ્પને સરખો સર્વિસ ચાર્જ ચૂકવવાની માગણી કરી છે.