કાયદો શું કહે છે અને શિક્ષણ મંત્રી શું કહે છે?

  • કાયદો શું કહે છે અને શિક્ષણ મંત્રી શું કહે છે?
    કાયદો શું કહે છે અને શિક્ષણ મંત્રી શું કહે છે?

ગાંધીનગર તા.11
મહત્વનું છે કે, ગુજરાત સરકાર ફી નિયમનનો નિયમ લાવી છે, જેના હેઠળ કોઈપણ સ્કૂલ નિશ્ચિત મર્યાદાથી વધુ ફી વસૂલી ન શકે. જો સ્કૂલને સરકારે નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેવી હોય તો તેણે સરકારે નિમેલી ફી રેગ્યુલેટર કમિટિ સમક્ષ દરખાસ્ત કરવી પડે, અને સ્કૂલની રજૂઆતને ધ્યાને લઈ કમિટિ જેટલા ફી વધારાને મંજૂરી આપે તેટલી જ ફી સ્કૂલ લઈ શકે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર, ટ્યૂશન ફી સિવાય કઈ બાબતો વૈકલ્પિક ફી તરીકે ગણવી તે અંગે સરકાર અઠવાડિયામાં સ્કૂલના સંચાલકોને જાણ કરશે. સુપ્રીમના વચગાળાના આદેશ બાદ હવે કોઈપણ સ્કૂલ વાલીને વધારાની ફી ભરવા માટે ફરજ પાડી શકશે નહીં.
વિધાનસભામાં 30 માર્ચ 2017ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળા માટે 15 હજાર, માધ્યમિક શાળા માટે 25 હજાર, ઉચ્ચતર માધ્યમિક માટે 27 હજાર ફી નિર્ધારીત કરાઇ હતી. જે સ્કૂલોને તેનાથી વધુ ફી લેવી હોય તેમણે પોતાના ખર્ચા તેમજ ઈત્તર પ્રવૃત્તિની માહિતી આપી ફી રેગ્યુલેરટી કમિટિ સમક્ષ દખાસ્ત મૂકવાની હતી. જોકે, સરકાર સામે સ્કૂલો સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
આ દરમિયાન સરકારે સુપ્રીમનો અંતિમ ચૂકાદો આવે તે પહેલા શિક્ષણ સત્ર શરુ થઈ ગયું હોવાથી સ્કૂલોને વચગાળાની ફી વસૂલવાની છૂટ આપી દીધી. ફી નિયમન સમિતિએ પણ ફી જાહેર કરી દીધી. જોકે, આ ફી એટલી બધી વધારે હતી કે, શાળાઓમાં ફી ઘટવાને બદલે ઉલ્ટાની વધી ગઈ, જેના કારણે વાલીઓ સરકાર પર રોષે ભરાયા હતા અને સરકાર સંચાલકોના ખોળે બેસી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.