સાયન્સમાં બેઠક વધારો : ડોડીયા

રાજકોટ,તા.7
રાજકોટ સહિત સમગ્ર રાજયમાં સરકારી કોલેજોમાં સાયન્સના અભ્યાસનો હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એન્જીનિયરીંગની કેટલીક કોલેજો બંધ જતા વિદ્યાર્થોઓ બી.એસ.સી., કેમેસ્ટ્રી, ફીઝીક્સ, એગ્રીકલ્ચર તરફ વળ્યા છે ત્યારે સરકારે ટેકો કરવાની જગ્યાએ સરકારી કોલેજોમાં બેઠકો ઘટાડવામાં આવી રહી છે. સરકાર અને સત્તામંડળ ધંધાદારી કોલેજોને ખટાવવાનો પ્રયાસ કરી રહી છે. જેની સામે વિદ્યાર્થીઓને હાડમારી ભોગવવી પડી રહી છે. તેવુ સુટાના પૂર્વપ્રમુખ જયદિપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું.
વધુમાં જયદિપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે રાજકોટની સાયન્સની એકમાત્ર કોટક સાયન્સ કોલેજ અને એ.એમપી. લો કોલેજમાં પણ આ વર્ષે બેઠકનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઇ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી સરકાર અને સત્તામંડળ દ્વારા ધંધાદારી કોલેજોને ટેકો કરવામાં આવી રહ્યો છે. આ કામમાં સરકારના ટોચના નેતાઓ પણ સામેલ છે અને જાણી જોઇને આ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારે ખરેખર તો રાજ્યની તમામ સરકારી કોલેજોને આગળ ધપાવી જોઇએ અને બેઠકોમાં વધારો કરવો જોઇએ.