સુરેન્દ્રનગરમાં નિવૃત તલાટીનો રખડતા આખલાએ ભોગ લીધો

વઢવાણ તા.7
સુરેન્દ્રનગરમાં રખડતા પશુએ વૃધ્ધનો ભોગ લીધો હતો. પૌત્રને બાલ મંદિરથી ઘરે લઈ આવતા નિવૃત તલાટીને આખલાએ ટીંકે ચડાવી છાતી પર પગ મુકતા પાસળીઓ બહાર નીકળી ગઈ હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ ઉપર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધ્યો છે. અવારનવાર રસ્તે પસાર થતા રાહદારીઓ વાહન ચાલકોને પશુ ભુરાયા થઈ હડફેટમાં લઈ ઈજા પહોંચાડે છે.
આવા એક બનાવમાં સુરેન્દ્રનગર સૌજન્ય પાર્કમાં રહેતા નિવૃત તલાટી પ્રવિણ ધીરજલાલ ડગલી તેમના પૌત્રને બાલમંદિરથી લઈને ઘરે આવતા હતા ત્યારે રસ્તા પર આખલો ભુરાયો થતા પ્રવિણભાઈને ઢીંકે ચડાવ્યા હતા અને પ્રવિણભાઈને પાડી દઈ છાતી પર પગ મૂકી દેતા પ્રવિણભાઈની પાસળીઓ બહાર નીકળી ગઈ હતી.
જેથી પ્રવિણભાઈને તેમના પરીવારજનો તાત્કાલીક ટીબી હોસ્પીટલ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા. પણ સારવાર કારગત નહિ નીવડતા પ્રવિણભાઈ ડગલીનું મોત થયુ હતું.