દ્વારકા નજીક કાર અકસ્માતમાં મહિલા, પુરૂષનું મોત: બે ગંભીર

જામખંભાળીયા તા,7
દ્વારકા નજીક ગત મોડી રાત્રીના સમયે એક મોટરકાર ડીવાઈડર સાથે અથડાઈ પડતાં કાર ચાલક તથા અન્ય એક યુવતીના કરુણ મોત નીપજયા હતા. જયારે બે યુવાનોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ ગમખ્વાર અકસ્માતની પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલી અમીધારા હોટેલના માલીક અને ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા જેનીશભાઇ પટેલ નામના 38 વર્ષના યુવાન ગત રાત્રીના આશરે અઢી વાગ્યાના સુમારે પોતાની જીજે37 બી 9960 નંબરની આઈ-ટવેન્ટી મોટરકારમાં તેમના સ્ટાફના હેતલબેન બાલુભા ગોહીલ (ઉ.વ.31-રહે. જામનગર) તથા વિજયભાઇ ભોલાભાઇ કરમુર (ઉ.વ.23 રહે વનાળા, તા. જામજોધપુર) અને હિરેનભાઇ રવજીભાઇ સાંકટ (ઉ.વ.30ા સાથે કુરંગા વિસ્તારમાં આવેલી એક હોટલે ચા-પાણી પીવા ગયા હતા.ચા-પાણી પીને જેનીશભાઇ પટેલ કાર ચલાવીને સ્ટાફ સાથે પરત ફરી રહ્યા હતા. ત્યારે પુર ઝડપે જઇ રહેલી આ કાર પરનો કાબુ તેમણે ગુમાવી દેતા આ કાર ધડાકાભેર એક ડીવાઈડર સાથે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક અને હોટલના માલીક જેનીશભાઇ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા હેતલબેન ગોહીલને દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં તેણીએ પણ અંતિમશ્ર્વાસ ખેંચ્યા હતા.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઇ કરમુર તથા હીરેનભાઇ સાંકટને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ બનાવ અંગે વિજયભાઇ કરમુરની ફરીયાદ પરથી દ્વારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વસાવા, હેડ કોન્સ. પ્રવિણસિંહ જાડેજા, અશ્ર્વિનભાઇ પટેલે હાથ ધરી છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.