જામખંભાળીયાના જુની કોટ ગામે રોગ નિદાન કેમ્પ યોજાયો

જામખંભાળીયાના જુની કોટ ગામે રોગ નિદાન કેમ્પ યોજાયો
આરોગ્ય તપાસ કરી, વધુ સારવાર માટે ખસેડાયાં
જામનગર તા.7
જનરલ હોસ્પીટલના જીલ્લા એન.સી.ડી.સેલ અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે જામખંભાળીયા તાલુકાના જુની ફોટ ગામે ચેપી અને બિનચેપી રોગોનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જે નિદાન કેમ્પમાં ચેપી રોગો મેલેરીયા, ડેંગ્યું, ટી.બી. અને બીનચેપી રોગો જેવા કે ડાયાબીટીશ, બ્લડપ્રેશર અને વિવિધ કેન્સરની તપાસ વિનામુલ્યે કરવામાં આવી હતી. જેમાં કુલ 86 ગ્રામજનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જે લોકોને વધુ ડાયાબીટીશ અને બ્લડપ્રેશર જોવા મળેલ હતું તેમને દવાઓ આપવામાં આવેલ તેમજ વધુ સારવાર માટે જનરલ હોસ્પીટલ જામખંભાળીયા રીફર કરેલ હતા. ગામની ત્રણ મહિલાઓને સર્વાઇકલ કેન્સરના શંકાસ્પદ લક્ષણો જોવા મળેલ અને એક મહિલાને બ્રેસ્ટ કેન્સરના શંકાસ્પદ લક્ષણ જોવા મળેલ હતા. આ વિનામુલ્યે નિદાન કેમ્પમાં ભિંડા પ્રા.આ.કેન્દ્રના કર્મચારીઓ, ફોટ પ્રા.આ.કેન્દ્રના કર્મચારીશ્રી જયેશભાઇ પીંડારીયા, જીલ્લા એન.સી.ડિ.સેલના કર્મચારીઓ અને જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરેલ હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધેલ હતો.