જૂનાગઢના બિલ્ડરે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ફિનાઈલ પીધુ

જુનાગઢ તા.7
જુનાગઢના એક અગ્રણી બીલ્ડરે જેતપુર તથા જુનાગઢના વ્યાજખોરોની પઠાણી ઉઘરારીના કારણે ફીનાઈલ પી જતા શહેરભરમાં આ બનાવે ચર્ચાને ચકડોળે ચડયો છે. જો કે આ બનાવ અંગે હજુ પોલીસ ફરીયાદ નોંધાવા પામી નથી પરંતુ બીલ્ડરે ફીનાઈલ પી જવા પાછળ રૂપિયાની પઠાણી ઉઘરાણીનો ચીઠીમાં ઉલ્લેખ કરેલ છે તે પોલીસને સુપ્રત કર્યુ હોવાનું જાણવા મળેલ છે. જુનાગઢના અગ્રણી બીલ્ડર હસુભાઈ દલપતભાઈ ટીટા (ઉ.63) એ આજે સવારે 6 વાગ્યાના અરસામાં ફીનાઈલ ગટગટાવી ગયેલ જે બાબતની જાણ થતા હસુભાઈ ટીટાને દવાખાને સારવારમાં ખસેડાયા હતા જયાં તેઓની હાલત ગંભીર હોવાનું જણાવાય રહ્યું છે.
હસુભાઈ ટીટા જુનાગઢના અગ્રણી બીલ્ડર છે અને શહેરમાં વિશાળ સંખ્યામાં બાંધકામો કરી ચુકયા છે તેઓ અચ્છા દાનવીરની સાથે ધાર્મીક પ્રવૃતિના વ્યકિત તથા સમાજ લેવલે પણ સારી વ્યકિત તરીકે નામના ધરાવતા વ્યકિત છે ત્યારે આજે સવારે ફીનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી લેતા બીલ્ડર લોબી સહિત શહેરભરમાં આ બનાવ ચર્ચાનો બની ગયો હતો. દરમ્યાન ચર્ચાતી વિગતો મુજબ હસુભાઈ ટીટા પાસે જુનાગઢના અને જેતપુરના અમુક વ્યાજે આપનાર વ્યકિતઓએ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી દેતા તેમણશે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું મનાય રહ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાં હજુ સુધી ફરીયાદ નોંધાવા પામેલ નથી પરંતુ જાણવા મળતી વિગતો મુજબ હસુભાઈ ટીટા પાસેથી એક ચીઠી મળેલ છે જેમાં આપઘાતનો પ્રયાસ કરવાના કારણમાં પઠાણી ઉઘરાણીનો ઉલ્લેખ કરાયો છે.
અને આવી ઉઘરાણી કરનારાઓના નામો આ ચીઠીમાં લખાયા હોવાની વાત છે ત્યારે આ ઘટના અંગે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ આપઘાતના પ્રયાસ અંગેના કારણો જાણવા મળી શકે તેમ છે. ત્યારે આ ઘટના અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.