વિરડી પ્લોટના લોકો દબાણ દૂર કરે તો ગટરના પાણી આપોઆપ નીકળી જાય

પોરબંદર તા.7
પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં ગંદકી અને ગટરના પાણી પ્રશ્ર્ને કોંગ્રેસ ગંદુ રાજકારણ રમી રહ્યું છે તેમ જણાવીને પાલિકા પ્રમુખે સત્ય હકીકત પ્રજા સમક્ષ રજુ કરી છે.
તાજેતરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની આગેવાની નીચે કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ વિરડી પ્લોટ વણકરવાસના રહેવાસીઓ સાથે વિરડી પ્લોટ વણકરવાસ વિસ્તારની ગંદકી બાબતે નગરપાલિકા ખાતે રેલી લઈને રજુઆત કરવામાં આવેલ. તે અનુસંધાને પાલિકા પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને સમજણ આપી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભગટરમાં પોતાના કનેક્શનો મેળવી લેવા સમજણ આપવી જોઈએ જેથી ગટરના ગંદા પાણી રોડ ઉપર આવતા બંધ થઈ જાય. જે અંગે નગરપાલિકા દ્વારા હાલ કાર્યવાહી પણ ચાલુ છે. તેમજ નગરપાલિકાએ સેનીટેશનના વાહનો મારફતે શહેરના તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ઘનકચરાનું કલેક્શન કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે વાહનો તેમના વિસ્તારમાં આવે ત્યારે પોતાના ઘરનો કચરો વાહનો મારફતે નિકાલ કરવો જેથી તેમના વિસ્તારમાં થતી જાહેરમાં ગંદકી દૂર થઈ શકે.
તેમજ નગરપાલિકાની મુખ્ય ગટર ઉપર આ વિસ્તારના અમુક લોકો તરફથી પેશકદમી કરી ગટર ઉપર આડશ કરેલ છે જે પણ દૂર કરવા સમજણ આપી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકાય. પરંતુ લોકોને આવી સમજણ આપ્યા વિના માત્રને માત્ર પોતાનો રાજકીય લાભ ખાટવા માટે આવા દેખાવો અને રેલી કાઢીને અવળા રસ્તે લોકોને દોર્યા છે જે બંધ કરવું જોઈએ. જ્યારે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરપાલિકા તરફથી ગટરના પાણીના નિકાલની કે ઘરે ઘરે કચરો એકઠો કરવા અંગેની કોઈ જ વ્યવસ્થા ન હતી. હાલની ભા.જ.પ. ની બોડી તરફથી પાણીના નિકાલ તથા કચરાના નિકાલની વ્યવસ્થા કરેલ છે જેનો લાભ લેવા લોકોને સમજણ આપવી જોઈએ. જેને બદલે પોતાનો રાજકીય લાભ લેવા માટે આવા કાર્યક્રમો કરવાનું બંધ કરવું જોઈએ અને લોકોએ સાચી હકિકત સમજીને ગેરમાર્ગે દોરવાય જવું જોઈએ નહીં તેમજ ઉપર મુજબ ગટર કનેક્શનો મેળવી લેવા નગરપાલિકાનો તાત્કાલીક સંપર્ક કરવો અને વાહન મારફતે પોતાના ઘરના કચરાનો નિકાલ થાય તેમ કરવું જોઈએ. આ બાબતે લોકોને ફરિયાદ હોય તો નગરપાલિકાનો સીધો સંપર્ક કરવા પણ પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોક કે. ભાદ્રેચાએ જણાવ્યું છે.