પોરબંદરમાં મહિલાઓને સ્વમાનભેર રોજગારી આપતું રામબા સ્ત્રી વિકાસ ગૃહ

  • પોરબંદરમાં મહિલાઓને સ્વમાનભેર રોજગારી આપતું રામબા સ્ત્રી વિકાસ ગૃહ
    પોરબંદરમાં મહિલાઓને સ્વમાનભેર રોજગારી આપતું રામબા સ્ત્રી વિકાસ ગૃહ

પોરબંદર તા.7
પોરબંદરમાં સાત દાયકાઓથી હજ્જારો મહિલાઓને સ્વમાનભેર જીવવાની સાથોસાથ રોજગારી આપતું રામબા સ્ત્રી વિકાસ ગૃહ આજે પણ ધમધમી રહ્યું છે.
રાજવી નટવરસિંહજીના માતુશ્રીની સ્મૃતિમાં સાત દાયકા પહેલા પ્રારંભ થયેલ શહેરના હ્રદયસમા વિસ્તાર જુની કોર્ટ આર્યસમાજ રોડ પર આવેલ શ્રી રામબા સ્ત્રી વિકાસ ગૃહ આજે 72 વર્ષ પૂરા કરીને 73 મા વર્ષમાં પ્રવેશ કરે છે તે મહિલાના ઉત્કર્ષ ક્ષેત્રે ગૌરવ લેવા જેવી બાબત છે. શહેરનું સ્ત્રી ઉન્નનતીના નજરાણારૂપ શ્રી રામબા સ્ત્રી વિકાસ ગૃહમાં સાત દાયકા દરમિયાન સિલાઈ મશીનના માધ્યમથી 8000 જેટલી મહિલાઓ સ્વરોજગારી મેળવીને પગભર થઈ છે. એક મહિનામાં આ બહેનો ઘરમાં સિલાઈકામ કરીને રૂા. સાત થી આઠ હજારની રોજગારી મેળવી રહી છે.
મહિલાઓને પગભર કરવા આ સંસ્થામાં પ્રિન્સીપાલ વિજયાબેન થાનકી તથા શીતલબેન મામતોરા સિવવાના સંચા પર મહિલાઓને ટ્રેનર તરીકે તાલીમબદ્ધ કરે છે. મહિલાઓ ખાસ કરીને ગરીબ વર્ગની મહિલાઓ પગભર બને તેવા ઉમદા હેતુસર આ શ્રી રામબા સ્ત્રી વિકાસ ગૃહમાં પોરબંદરની મીડલ સ્કૂલના પૂર્વ આચાર્ય સ્વ. ભાયાભાઈ વાઘાભાઈ બારૈયાની પ્રેરણા-પ્રોત્સાહનથી 35 સિલાઈ મશીનો પર 76 મહિલાઓ દરરોજ બપોરે 12 થી 5 સિલાઈકામની તાલીમ મેળવે છે. આમ દર વર્ષે સો જેટલી મહિલાઓ પગભર બને છે. સંસ્થાના આચાર્યા શાન્તાબેન બારૈયાના માર્ગદર્શન તળે આ સંસ્થામાં ધોરણ 1 થી 8 નો પણ અભ્યાસક્રમ ચાલે છે.
આ સંસ્થામાં સિવણનો અભ્યાસ કરી પ્રમાણપત્રો મેળવીને ઘણાં બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં સિવણના ટ્રેનર તરીકે ટ્રેનિંગ આપવા માટે સરકારે ટ્રેનર તરીકે નિમણુંક પામેલ છે. નોકરી ન કરતી મહિલાઓ ઘરે પણ સિવણકામ કરીને રોજગારી મેળવે છે. પી.ટી.સી. સમકક્ષ ગણાતો સિવણનો ટી.સી.ડબલ્યુ. અભ્યાસક્રમ કરેલી મહિલાઓ આજે પણ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં સિવણના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મહિલાઓને પગભર કરવા સાત દાયકાથી ચાલતા સેવાયજ્ઞમાં નિવૃત થયેલા કર્મચારી ભાસ્કરભાઈ બારૈયા હાલમાં સેવારત છે.