પોરબંદરમાં હિન્દુ સ્મશાનભૂમિની વિદ્યુતભઠ્ઠીના લાભાર્થે ચાલતો બાયોમેડીકલ વેસ્ટનો પ્લાન્ટ

  • પોરબંદરમાં હિન્દુ સ્મશાનભૂમિની વિદ્યુતભઠ્ઠીના લાભાર્થે ચાલતો બાયોમેડીકલ વેસ્ટનો પ્લાન્ટ
    પોરબંદરમાં હિન્દુ સ્મશાનભૂમિની વિદ્યુતભઠ્ઠીના લાભાર્થે ચાલતો બાયોમેડીકલ વેસ્ટનો પ્લાન્ટ

પોરબંદર તા.7
પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યરત વિદ્યુત ભઠ્ઠીમાં એકપણ રૂપીયો અંતિમવિધી માટે લેવાતો નથી અને દર મહિને અંદાજે 3 લાખ રૂપીયાનો ખર્ચ થાય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે ટ્રસ્ટ દ્વારા બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની ભઠ્ઠી ઉદ્યોગનગરમાં ચલાવવામાં આવે છે. અને આ સેવાયજ્ઞ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો છે.
2006 ની સાલમાં સ્થાપના
2006 ની સાલમાં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ હતી. જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા અને અનિલભાઈ કારીયા સહિતની ટીમે ઉદ્યોગનગર વિસ્તારમાં બાયોમેડીકલ વેસ્ટની ભઠ્ઠીના પ્લાન્ટની સ્થાપના કરી હતી. ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ દ્વારા અપાયેલા તમામ નિયમોનું પાલન કરીને આ ભઠ્ઠી અહીંયા શરૂ કરવામાં આવી હતી અને તેનું સુવ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે.
કચરો એકત્ર કરવાની કામગીરી
પોરબંદરમાં બાયોમેડીકલ વેસ્ટની ભઠ્ઠીના પ્લાન્ટનું ચાર વર્ષથી મેનેજમેન્ટ કરતા પ્લાન્ટ મેનેજર વિજયભાઈ મોઢાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડોક્ટરો દ્વારા અપાતો કચરો એકત્ર કરવા માટે ડોર ટુ ડોર વાહન જાય છે. ચાર વાહનો રાખવામાં આવ્યા છે. એક રૂટ માધવપુર થી કુતિયાણા સુધીના ઘેડ પંથકના ગામોમાંથી પસાર થાય છે, બીજો અડવાણા-રાણાવાવ સહિત આદિત્યાણા પંથકમાં દોડે છે તો ત્રીજો રૂટ પોરબંદર શહેર માટે રાખવામાં આવ્યો છે અને ત્યાંથી નિયમિત રીતે કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવે છે.
દરરોજનો 175 કિલો કચરો એકત્ર
પોરબંદર શહેર અને જિલ્લામાંથી દરરોજનો 175 કિલો કચરો એકત્ર કરવામાં આવે છે, જે ખૂબ ઓછો કહી શકાય. કેમ કે પોરબંદર જિલ્લાના 240 જેટલા ડોક્ટરો અને આરોગ્ય કેન્દ્ર પાસેથી કચરો એકઠો કરવામાં આવે છે. ડોર ટુ ડોર કલેક્શન કરવા જતા કર્મચારીઓએ ડોક્ટરોને અલગ-અલગ રંગની કલર કોડવાળી થેલીઓ આપી છે. જેમાં બાટલા, સીરીંઝ, ઈન્જેક્શન, પાટા અને કેટલાક અંગો જેવો ગ્લાસ વેસ્ટ, બાળવાનો વેસ્ટ વગેરે એકત્ર કરવામાં આવે છે.
ભઠ્ઠીની પ્રક્રિયા
ઈન્સીનરેટર ભઠ્ઠી તરીકે ઓળખાતી બાયોમેડીકલ વેસ્ટના નીકાલ માટેની ભઠ્ઠીની પ્રક્રિયા પણ વિશિષ્ટ છે. તેમાં બે ચેમ્બરો આવેલી છે, પ્રાયમરી ચેમ્બરમાં 850 ડિગ્રી જેટલું તાપમાન હોય છે જ્યારે સેક્ધડરી ચેમ્બરમાં 1050 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. સ્મશાનની વિદ્યુત ભઠ્ઠીમાં માનવ મૃતદેહ બાળવા માટે 650 ડિગ્રી વધુમાં વધુ તાપમાન થાય છે તેથી તેના કરતા પણ ખૂબ જ વધુ ગરમ એવી આ ભઠ્ઠીમાં સ્ક્રબીંગ સિસ્ટમ તથા ફ્યુન્સ પાર્ટીકર જેવી પ્રક્રિયાઓ થાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરીને બાયોમેડીકલ વેસ્ટનો નાશ થાય છે.
ભઠ્ઠીની સ્થાપના માટે નિયમ
જી.પી.સી.બી. દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ તેની સ્થાપના થાય છે અને એક ભઠ્ઠી હોય તેના 70 કિલોમીટરના ડાયામીટરમાં અન્ય કોઈ ભઠ્ઠીને મંજુરી મળતી નથી. તેમજ કચરો દરરોજ એકત્ર થાય છે અને મંગળ, ગુરૂ અને શનિવારે તેનો નાશ કરવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે ખૂબ જ જાગૃત અને કડક છે અને અહીંયા તમામ નિયમોનું પાલન થાય છે. જમીનથી 110 ફૂટ ઉંચી ચીમની નિયમ પ્રમાણે રાખવામાં આવી છે અને 7 વ્યક્તિઓનો સ્ટાફ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે.
સ્મશાનભૂમિના લાભાર્થે ભઠ્ઠી કાર્યરત
પોરબંદરની હિન્દુ સ્મશાનભૂમિમાં મૃતદેહને અંતિમવિધી માટે લાવવામાં આવે ત્યારે તેનો એકપણ રૂપીયાનો ચાર્જ વસૂલાતો નથી. પગારદાર માણસો, મેઈન્ટેનન્સ, વિજબીલ સહિત અંદાજે 3 લાખ રૂપીયાનો મહિને ખર્ચ થાય છે અને આ તમામ ખર્ચ પૂરો પાડવા માટે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા અને તેમની ટીમ બાયોમેડીકલ વેસ્ટની ભઠ્ઠી ચલાવે છે. ડોક્ટરો પાસેથી થતી આવક તેમાં અર્પણ કરવામાં આવે છે.
ડોક્ટરોને માર્ગદર્શન સેમીનાર
પોરબંદરમાં બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે માટે વર્ષમાં ડોક્ટરો માટે બે સેમીનાર અને પેરામેડીકલ સ્ટાફ માટે બે સેમીનાર જી.પી.સી.બી. દ્વારા યોજવામાં આવે છે અને તેમાં કઈ રીતે કચરાનો નિકાલ કરવો ? તેનું માર્ગદર્શન અપાય છે.
સમગ્ર ટીમની જહેમત
પોરબંદરમાં આ માનવસેવાના કાર્ય માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા, ઉપપ્રમુખ જતિનભાઈ હાથી, મંત્રી ટી.કે. કારીયા અને તેમની ટીમ તથા પ્લાન્ટ મેનેજર વિજયભાઈ મોઢા વગેરે જહેમત ઉઠાવે છે. બાયોમેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવો એ ગંભીર ગુન્હો
બાયોમેડીકલ વેસ્ટ જાહેરમાં ફેંકવો એ ગંભીર ગુન્હો છે અને તેનાથી અનેક પ્રકારનો રોગચાળો પણ ફેલાઈ શકે છે. તેથી તેના માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અત્યંત કડક છે. પોરબંદરમાં પણ કોઈ ડોક્ટર જાહેરમાં આવો કચરો ફેંકે તો માધવાણી કોલેજ સામે આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જે-તે તબીબ સામે નામજોગ ફરિયાદ કરી શકાય છે અને તેનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઘણી વખત માનવ અંગો અને લોહી સહિત પાટા વગેરે જાહેરમાં ફેંકવામાં આવે ત્યાં કૂતરા અને ડૂક્કરો તેને ચૂંથતા હોય ત્યારે ગંભીર રોગચાળો ફેલાઈ શકે છે. ઘણી હોસ્પિટલો-ડોક્ટરોની બેદરકારી
મહિને વધુમાં વધુ 600 રૂપીયા જેટલો જ બાયોમેડીકલ વેસ્ટ નિકાલ માટેનો ચાર્જ લેવામાં આવે છે, તેમ છતાં ઘણા ખરા ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે કચરો ભઠ્ઠી સુધી પહોંચતો નહીં હોવાનું પણ જાણવા મળે છે. તગડી વિઝીટ લેતા અને દર્દીઓને ખંખેરતા ડોક્ટરો પૈકી અમુક તબીબો આટલો ખર્ચ પણ કરતા નહીં હોવાનું જણાઈ રહ્યું છે. તો પેરામેડીકલ સ્ટાફનો પગાર ઓછો હોય છે તેથી તેમના દ્વારા બાટલા, સિરીંઝ વગેરે ભંગારમાં દઈને રોકડી કરી લેવાતું હોવાનું પણ બહાર આવ્યું છે. પોરબંદરમાં અગાઉ અનેક વખત જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ મળી આવતા રૂપીયા બચાવવા આવી પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવ્યું હતું.