વર્ગ-4 ના કર્મચારીઓએ ટાંકા, ડ્રેસીંગ, બાટલા ચડાવવાની કામગીરી કરવી પડશે

પોરબંદર તા.7
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વર્ગ-4 ના કર્મચારીઓએ ટાંકા, ડ્રેસીંગ, બાટલા ચડાવવાની કામગીરી કરવી પડશે તેવો સિવિલ સર્જને ગાંધીનગરના અધિક નિયામકની સૂચના અન્વયે પરિપત્ર બહાર પાડતા ચકચાર જાગી છે.
પોરબંદર સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન મંજરીબેન મંકોડીએ ગાંધીનગર અધિક નિયામક (ત.વી.) ની સુચના અન્વયે એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે કોન્ટ્રાક્ટ બેઈઝ વર્ગ-4 ના આઉટ સોસીંગ કર્મચારીઓએ ટાંકા, ડ્રેસીંગ, બાટલા ચડાવવાની કામગીરી કરશે નહીં તેવું વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. તે અનુસંધાને સિવિલ સર્જન, વહીવટી અધિકારી, આસીસ્ટન્ટ નર્સિંગ સુપ્રી. વગેરેની મીટીંગ બોલાવવામાં આવતા ચર્ચાના અંતે પાંચ જેટલા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. તેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવાયું હતું કે ડ્રેસીંગને લગતી કામગીરી તેમજ રૂટીન ઓ.પી.ડી. માં થતી કામગીરી નર્સિંગ સ્ટાફના સુપરવિઝન હેઠળ વર્ગ-4 ના કર્મચારીઓએ કરવાની રહેશે. બાકીના ઈમર્જન્સી સમય દરમિયાન સ્ટાફ નર્સ અને વર્ગ-4 ના કર્મચારીઓએ મેડીકલ ઓફિસરના સુપરવિઝન હેઠળ કામગીરી કરવાની રહેશે. ટાંકા લેવાની કામગીરી મેડીકલ ઓફિસર કરશે જેમાં સ્ટાફ નર્સ અને વર્ગ-4 ના કર્મચારીઓની મદદ લેવાની રહેશે. સ્લેબ આપવાની કામગીરી પણ વર્ગ-4 ના કર્મચારીઓએ મદદગારી કરીને કરવાની રહેશે. દર્દીઓને બાટલા ચડાવવા, ઉતારવા, ઈન્જેક્શન આપવા વગેરે કામગીરી ફરજ પરના સ્ટાફ નર્સે કરવાની રહેશે અને તેમને જરૂર જણાય તો વર્ગ-4 ના કર્મચારીઓની મદદ લઈ શકાશે. પોઈઝનીંગના કેસમાં સક્શનની કામગીરી મેડીકલ ઓફિસરે કરવાની રહેશે અને તેમાં પણ મેડીકલ ઓફિસરે સ્ટાફ નર્સ અને વર્ગ-4 ના કર્મચારીઓની મદદ લેવાની રહેશે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે ખડેપગે રહેતા સામાજીક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ સિવિલ સર્જનના આ પરિપત્રને ઘરની ધોરાજી ગણાવીને ઉમેર્યું છે કે આ પ્રકારના પરિપત્ર બહાર પાડીને વર્ગ-4 ના કર્મચારી પાસે ટાંકા, ડ્રેસીંગ, બાટલા ચડાવવાની કામગીરી કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ તેમાં કોઈ ભૂલ-ચૂક થાય તો જવાબદારી કોની ? તેવો સવાલ ઉઠાવીને ઉમેર્યું છે કે આ પ્રકારના બનાવમાં પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે. માટે તંત્રએ આ પરિપત્રમાં ફેરફાર કરવો જોઈએ.