પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ નકકી કરાયો

પોરબંદર તા.7
પોરબંદરમાં જગન્નાથજીની રથયાત્રાનો રૂટ નકકી થયો છે.
અષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ થઇ છે.
દરવર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના સુદામાચોકમાં આવેલા શ્રીજગન્નાથજી મંદિર ખાતેથી અષાઢીબીજની ભવ્યાતિભવ્ય રથયાત્રા નિકળશે અને તેના માટેની તૈયારી ચાલી રહી છે. રથનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને નવો જ ઓપ આપવામાં આવી રહ્યો છે. દરવર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન દિનચર્યા કરવા માટે શહેરમાં નિકળે છે અને મોટી સંખ્યામાં ભકતો તેમની સાથે જોડાય છે ત્યારે પરંપરાગત રીતે યોજાતી આ શોભાયાત્રાનો સંપુર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તા. 14/7/ર018ને શનિવારે બપોરે 3:00 વાગ્યે જગન્નાથજીના મંદિર ખાતેથી નિકળીને રથયાત્રા એમ.જી.રોડ, માણેકચોક, શિતલાચોક, એસ.વી.પી. રોડ, હનુમાનગુફા, મામાકોઠા રોડ થઇને નિજમંદિરે પૂર્ણ થશે. આ રથયાત્રામાં શહેરીજનોને જોડાવવા મંદિરના પુજારીએ અપીલ કરી છે.
કલા મહાકુંભનું આયોજન
પોરબંદરમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર અને રમત ગમત અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભ-ર018નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી-જુદી ર6 કૃતિની પસંદગી કરવામાં આવી છે. જીલ્લાના કલાકારો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તાલુકાકક્ષાથી માંડી રાજયકક્ષા સુધીની સ્પર્ધા યોજાવાની છે. આ માટે પોરબંદર જીલ્લાના કલાકારોએ ફોર્મ ભરવાનું રહેેશે. વધુ માહિતી માટે જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ગાંધી સ્મૃતિ મંદિર પછાળ, ચોપાટી પાસે, પોરબંદર ખાતેનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.