પોરબંદરની હોસ્પિટલમાં વર્ગ 3-4ના કોન્ટ્રાકટબેઝ કર્મચારીઓનું શોષણ?

પોરબંદર તા.7
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાકટબેઝ કર્મચારીઓમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું શોષણ થતું હોવાની ગંભીર ફરિયાદ સાથે કોંગ્રેસે આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારે આખા ગુજરાતની તમામ હોસ્પિટલોમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની ભરતી છેલ્લા 10 વર્ષથી બંધ કરી દીધેલ છે.ે આ કર્મચારીઓને આઉટશોર્સિંગ પધ્ધતીથી કોન્ટ્રાકટર દ્વારા ભરતી કરવામાં આવી રહેલ છે અને આઉટ સોર્સિગ કોન્ટ્રાકટર આખા ગુજરાતમાં બે જ કંપનીઓને અપાઇ રહ્યો છે. પોરબંદરમાં પણ વર્ગ-3નો કોન્ટ્રાકટ એમ.જે. સોલંકીને અપાયેલ છે અને વર્ગ-4નો કોન્ટ્રાકટ ડી.જે. નાકરાણીને અપાયેલ છે. આ બંને કોન્ટ્રાકટરો પાસે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલોની ભરતીનો કોન્ટ્રાકટ છે. અને આ કોન્ટ્રાકટરો ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3 અને વર્ગ 4 કર્મચારીઓ માટે જે રકમ ચુકવવામાં આવે છે તેની પ0 ટકા રકમ જ કર્મચારીઓને ચૂકવી ને જ યુવાનોનું શોષણ કરી રહેલ છે.
પોરબંદરમાં વર્ગ 4ના કર્મચારીઓ પાસેથી ખરેખર હોસ્પિટલની સફાઇનું કામ કરાવવું જોઇએ પણ સાફ-સફાઇના બદલે આ કર્મચારીઓ પાસે ઓપરેશન થીએટરમાં ટાંકાઓ લેવડાવવામાં આવે છે. અને અકસ્માત દરમીયાન અથવા તો ઇમરજન્સી સારવાર દરમીયાન પણ ડ્રેસીંગની કામગીરી વર્ગ-4ના કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવે છે. ખરેખર આ કામ નર્સિંગ સ્ટાફે કરવું જોઇએ. સ્ટાફ નર્સની કામગીરી જેવી કે ટાંકા લેવા, ડ્રેસીંગની કામગીરી અને એટલું જ નહીં ઓપરેશન થીએટરમાં મદદ કરવાની મહત્વની કામગીરી પણ સફાઇ કામદારો પાસે કરાવવામાં આવી રહી છે. જેને કારણે સફાઇ કામદારોને સફાઇના બદલે નર્સિંગની કામગીરીમાં વ્યસ્ત રખાતા હોય હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજય અને મચ્છરોનું સામ્રાજય ઉભું થયું છે.
વિકાસના બણગા ફુંકતી ભાજપ સરકાર સફાઇ કામદારો પાસે દર્દીઓના ટાંકા અને ડ્રેસીંગની કામગીરી કરાવીને તેના આરોગ્ય સામે મલાઇ ખાવાના ઇરાદે જોખમ ઉભું કરી રહેલ છે. પાકીસ્તાન કે બાંગ્લાદેશ જેવા પછાત દેશોમાં પણ સફાઇ કામદારો પાસે મેરામેડીકલ સ્ટાફનું કામ કરાવવામાં આવતું નથી. સફાઇ કામદારો પાસે જો સફાઇ સિવાયની અને ખાસ કરીને નર્સિંગ સ્ટાફની કામગીરી કરાવવાનો ભાજપ સરકાર જો બંધ નહીં કરે તો ભાજપ સરકાર સામે આંદોલન કરીશું તેની સંપુર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે એમ એક નિવેદનમાં રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું છે.