હવે આરટીઓમાં ઓનલાઈન પ્રથા નાબૂદ થવાની શકયતા

રાજકોટ,તા.7
આરટીઓ કચેરીમાં વધુ એક મહત્વના નિર્ણયની અમલવારી થાય તેવી શક્યતા છે, જે મુજબ, આરટીઓમાં હવેથી નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા સિવાયનાં તમામ કાર્ય એક જ દિવસમાં કરાવી શકાશે. ડુેપ્લિકેટ લાઇસન્સ કે લાઇસન્સમાં સુધારા-વધારા, લાઇસન્સ રિન્યુઅલ આ તમામ પ્રકારનાં કામ માટે અરજદારોને 30 થી 40 દિવસની રાહ જોવામાંથી મુકિત મળશે. એકમાત્ર ઓનલાઇન અરજીના આધારે અને વહેલા તે પહેલાના ધોરણે તેનું નવા ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયનું કામ આરટીઓમાં રૂબરૂ જવાથી થઇ જશે. હાલમાં અમદાવાદ આરટીઓમાં ઘણા મહિનાથી 30 થી 40 દિવસનું વેઇટીંગ ચાલે છે તેમાં નવું લાઇસન્સ કઢાવવાનું હોય કે લાઇસન્સ રિન્યૂ કરાવવાનું, લાઇસન્સમાં નામ કે અટકમાં સુધારો કરાવવાનો હોય, સરનામામાં ફેરફાર કરાવવાનો હોય જેવાં ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા કોઇ પણ કામ માટે અરજદારે એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત હતી. જેના કારણે ત્રણ મહિના સુધી અરજદારે રાહ જોવી પડતી હતી. નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો બેકલોગ મોટા પ્રમાણમાં વધી જતાં અરજદારોને સરળતાથી લાઇસન્સ મળી શકે તે માટે આ નવી પ્રક્રિયા ટૂંક સમયમાં અમલી કરાશે, જેના કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ઇચ્છતા અરજદારને વેઇટિંગનો બેકલોગનો ઘટી જશે અને ડ્રાઇવિંગ સિવાયના અરજદારે ઓનલાઇન અરજી કર્યા બાદ આરટીઓ કચેરીમાં 10 થી 6ના સમયગાળા દરમિયાન જવાનું રહેશે. તેની સાથે ઓનલાઇન અરજીની નકલ અને જરૂરી દસ્તાવેજો રાખવાના રહેશે. અને ઓફલાઇન કામગીરી કરવા અંગેની વિચારણા કરવામાં આવી રહી છે. હાલ રાજકોટ આર.ટી.ઓમાં નવા ડ્રાઇવીંગ લાયસન્સ માટે 200-250 અને સુધારા-વધારા સહિતના કામો માટે 300-350 ડ્રાઇવીંગ લાયસન્સની અરજીઓ આવે છે. રાજયની તમામ આરટીઓમાં નવા લાયસન્સ માટે જ ઓનલાઇન અપોઇમેન્ટ લેવાની થશે જ્યારે બાકીના લાયસન્સ સંબંધિત કામો ઓફલાઇન થવાની શક્યતા છે.