વરસાદનો વધુ વિલંબ સૌરાષ્ટ્રના ખેડુતોને રડાવશે: કપાસના પાક ઉપર હવે જોખમ

રાજકોટ તા.7
ચોમાસું બેસવાને થોડા દિવસની વાર હોય એવામાં જ કપાસ વાવેતર કરી દેવાની પ્રમાણમાં ઠીકઠીક સફળ રહેતી પ્રથા મુજબ હજારો ખેડૂતોએ કપાસ વાવેતર કરી દીધું પરંતુ કુદરતે સમયસર મેઘમહેર ન વરસાવી. પરિણામે, સ્થિતિ એથઇ છે કે હવે જો ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં આવે તો 50 ટકા વાવેતર નિષ્ફળ જાય તેવો ખતરો છે. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હોવાછતાં પુરતો વરસાદ વરસતો નથી. ખરીફ સિઝનના વાવેતરનો યોગ્ય સમય હવે હાથમાંથી નિકળી ગયો છે. ત્યારે ધરતીપુત્રો વરસાદ વગર ધોવાઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસના પાકનું હજ્જારો વિઘાનું વાવેતર નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો પ0 ટકા જેટલા વાવેતર ઉપર પાણી ફરી વળશે. મોટાભાગના ખેડૂતોએ ફરી વખત વાવણી કરવાનો સમય આવશે. ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ખેડૂતોને દગો દીધો હોય તેમ હજુ સુધી રાજયનો અડધાથી વધારે વિસ્તાર કોરો રહી ગયો છે. રાજ્યમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં બે-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે, દરિયા પટ્ટીથી જમીન ઉપર 30-40 કિ.મી. અંદરની તરફ જોઈએ તેવો વરસાદ પડયો નથી. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ વવાતા કપાસનું અત્યાર સુધીમાં 4.9ર લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોનો કપાસ તરફનો ઝોક વધ્યો છે. માટે કપાસનું વાવેતર વધવાની ધારણા અગાઉથી હતી.
કૃષિ તજજ્ઞાોના કહેવા પ્રમાણે કપાસના પાક સંદર્ભે થોડા વર્ષોથી ખેડૂતોએ કોરામાં વાવેતર કરવાની પ્રથા અપનાવી છે. એટલે કે વરસાદ પડયા વગર જ ખેડૂતો ખેતરમાં કપાસનું બિયારણ વાવી દે છે. સંભવિત વરસાદની ગણતરી કરીને 1પ-ર0 દિવસ પહેલા ઉનાળામાં તપેલા ખેતરમાં સીધા જ કપાસનું વાવેતર કરી દેવાય છે. બાદમાં નિયત સમયે વરસાદ પડે એટલે આપમેળે ખેતરમાં છોડ ઉગવા માંડે છે. જો સમયસર વરસાદ પડે તો આ પ્રથા ખુબ સારી છે. પાકનો ઉગાવો સારો આવે છે. યોગ્ય સમયે કાપણી અવસ્થા આવી જાય છે. પાકની ગુણવત્તા સારી રહે છે. મજુરો ન મળવા સહિતની સમસ્યામાંથી છુટકારો મળે છે. પરંતુ સમયસર વરસાદ ન થાય તો વાવેતર નિષ્ફળ જવાથી ખેડૂતોએ મોટી નૂકશાની સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે તેવું જ બન્યું છે. વરસાદ ન પડતા ખેતરોમાં બિયારણ બળી ગયું છે, તો વળી ક્યાંક હળવા ઝાપટા વચ્ચે ભેજના કારણે બિયારણમાંથી કૂંપણો ફૂટી નિકળી હોય તો તે હવે પાણીના અભાવે કે તડકો પડતા બળી જશે. એકંદરે સ્થિતિ એવી પેદા થઈ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોએ કોરામાં કરેલું બધુ જ વાવેતર નિષ્ફળ જશે.