30 હજાર મિલ્કતના સરનામામાં ગોટાળા, પોષ્ટમાંથી બિલ પાછા આવ્યા

રાજકોટ, તા. 7
રાજકોટમાં 2018 થી કાર્પેટ એરીયા આધારીત વેરા પદ્ધતિ અમલી બનાવી છે મહાનગરપાલીકાએ આકરણીના આધારે મિલ્કત ધારકોને ઘરે ઘરે બિલ પહોંચાડવા માટે પોસ્ટ વિભાગને કામગીરી સોંપી છે. ગત સોમવારે શહેરની 4.58 લાખ મિલ્કતોના બિલ બનાવ્યા બાદ પોસ્ટમાં સોપી દેવામાં આવ્યાની જાહેરાત કર્યા બાદ ફરી એક વખત તંત્ર ઉપર નવી ઉપાડી આવી છે જેમાં પોસ્ટ વિભાગમાંથી 30 હજાર બિલનું પોટલુ પરત આવતા વેરા વિભાગ ધંધે લાગ્યો છે.
કાર્પેટ એરીયા આધારીત વેરા પદ્ધતિમાં મિલ્કત માપણીની કામગીરીમાં એજન્સીએ બેદરકારી દાખવતા હજ્જારો આસામીઓએ વાંધા અરજીઓ કરી છે ત્યારે વેરા વિભાગ દ્વારા વાંધા અરજીના નિકાલની અઘરી કામગીરી હાથ ધરી મિલ્કત ધારકોને ઘરે બિલ પહોંચાડવાનું શરૂ કરી કામગીરી કર્યાનો હાશકારો અનુભવ્યો છે ત્યારે જ પોસ્ટ વિભાગે 4.58 લાખ મિલ્કત પૈકી 30 હજાર મિલ્કતોના બિલ વેરા વિભાગને પરત કરતા તંત્રને નવી ઉપાધી આવી પડી છે અને આ સમશ્યાનો ઉકેલ કરવા ફરી એક વખત નવુ આયોજન કરવાની ફરજ પડશે તેમ લાગી રહ્યું છે.
પોસ્ટ વિભાગ દ્વારા 30 હજાર વેરા બિલ વેરા વિભાગને પરત કરતા હાલ તો તંત્ર દ્વારા ઉપરોકત બિલ કેવી રીતે પહોંચતા કરતા તેની મથામણ શરૂ કરી છે. જયારે વેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પરત આવેલા 30 હજાર બિલનો અભ્યાસ કર્યા બાદ ઝોન વાઈજ બિલ અલગ કરવામાં આવશે ત્યાર બાદ વોર્ડ વાઈઝ બિલની છટણી કરી વોર્ડ ઓફિસરને બિલ બજવણીની કામગીરી
સોપવામાં આવશે.
વેરા વિભાગના વધુમાં જણાવ્યા મુજબ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સચોટ કામગીરી થાય તે માટે બિલની બજવણી કરનાર કર્મચારી દ્વારા જે તે મિલ્કત ધારકની સાઈન લેવામાં આવે છે અને બિલ પહોંચી ગયાની પહોંચ વેરા વિભાગને પરત કરવામાં આવે છે જેના કારણે કોઈ આસામી મને બિલ મળ્યુ નથી તેવું બહાનુ ન કાઢી શકે.