એકબાજુ કાશ્મીરનો ખીણ પ્રદેશ ભયમાં: બીજી બાજુ હિન્દુ સીએમ ?

આપણા દેશના નંદનવનની હાલત હદ બહાર બૂરી થઇ ગઇ હોવાની પ્રતીતિ કરાવતી ઘટનાઓ બન્યે જ જાય છે. ગઠબંધન સરકારના અંત સુધી આતંકી પરિબળોના લોહિયાળ હૂમલા અને જવાનો શહીદ થવાની ઘટનાઓ ચાલુ રહી હતી. હવે પૂરેપૂરી લશ્કરી સજ્જતા સાથે આતંકી પરિબળોનો કડૂસલો કરવાના સંકલ્પ સાથે જમ્મુ-કાશ્મીરનો પ્રદેશ લશ્કરના હવાલે કરવામાં આવ્યો હોવા છતાં જવાનની હત્યા અને બેફામ તોડફોડ ચાલુ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ખીણ-પ્રદેશને આતંકવાદી પરિબળો ઝૂંટવી લેવાની
તજવીજમાં છે !
જમ્મુના અહેવાલ મુજબ થોડા દિવસો પહેલા જ ઈદની રજામાં વતન પરત ફરતા સેનાના એક જવાનનું અપહરણ કરી આતંકીઓએ તેની નિર્દયીરીતે ઘાતકી હત્યા કરતા દેશભરમાં ઉગ્ર રોષ સાથે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને પગલે જ ભાજપે ટેકો પાછો ખેંચી પીડીપીની સરકારને ભાંગી નાંખી અને રાજયમાં રાજયપાલનું શાસન લાદવામાં આવ્યું હતું. જોકે આજે આવી જ એક ક્રુર ઘટનાએ એવી પ્રતીતિ કરાવી દીધી કે, જમ્મુ-કાશ્મીર રાજયમાં ગવર્નરનું શાસન હોય કે ચૂંટાયેલી સરકારનું પરંતુ આતંકી પ્રવૃતિઓમાં કશો ફેર નથી પડ્યો ને આતંકીઓ જાણે કે સરકાર અને પ્રશાસનને ખુલ્લો પડકાર આપતા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ગઇકાલે ગુરૂવારે રાજય પોલીસના કોન્સ્ટેબલ જુનૈદ અહમદ દારનું આતંકીઓએ અપહરણ કરી લીધું હતું અને આજે શુક્રવારે કુલગામ નજીકથી આ પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો હતો. આતંકીઓએ વધુ
એક અપહરણ-હત્યાને અંજામ આપી સરકારને રીતસરની ચેલેન્જ આપી હોય તેમ સમજાય છે.
દરમ્યાન શુક્રવારે બનેલી અન્ય એક ચોંકાવનારી ઘટનામાં આતંકવાદીઓએ પુલવામાના પરિગામ ખાતે હનફિયા મસ્જીદના ઈમામ મહમદ અશરફ પણ અંધાધૂંધ ફાયરીંગ કરી તેની હત્યા કરી નાંખી હતી. આ બન્ને હત્યાની ઘટનાઓએ
કાશ્મીરના શાંતિપ્રિય નાગરીકોમાં આતંકીઓ પ્રત્યે નફરત અને ભયાનક રોષની લાગણી ફાટી નીકળી છે.
રાજ્યના શોપિયાં જિલ્લામાંથી આતંકીઓએ જમ્મૂ કાશ્મીર પોલીસના એક કોન્સટેબલનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આતંકીઓએ પોલીસના જે જવાનનું અપહરણ કરી લીધું તેનું નામ જાવેદ અહમદ ડાર છે. આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહમદને શોપિયાંના કચદૂરા ગામમાંથી એક સ્થાનિક મેડિકલની દુકાનમાંથી અપહરણ કરી લીધું હતું.
જાવેદ છેલ્લા પાંચ વર્ષથી એસએસપી શૈલેન્દ્ર મિશ્રાની સાથે તૈનાત હતા. જાવેદે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, તે પોતાની માતાને દવા આપવાં જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે માતાને દવાની જરૂર છે. તે હજ માટે જવાના છે.
અપહરણ કરવા સમયે જાવેદ પોતાના મિત્રો સાથે હતો. આ દરમિયાન સેન્ટ્રો કારમાં ચાર આતંકીઓ આવ્યા અને હવામાં ગોળી ચલાવી અને જાવેદનું અપહરણ કરી લીધું.
તેના થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં જાવેદને ટોર્ચર કરવાની તસ્વીર પણ અપલોડ કરવામાં આવી.
આ પરિસ્થિતિ વચ્ચે એવો ચોંકાવનારો રાજકીય ધડાકો પ્રકાશમાં આવ્યો છે કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપે ટેકો પાછો ખેંચી લેતા મહેબૂબા મુફતીની સરકાર પડી ભાંગી હતી. આમ પીડીપી અને ભાજપ વચ્ચેનું ગઠબંધન તૂટયા બાદ એક નવા રાજકીય સમીકરણનો સળવળાટ શરૂ થયો હતો જે અત્યારે નકકર પરિણામ ભણી આગળ ધપે છે અને તે ભાજપની તરફેણમાં હશે. પીડીપીમાં પાંચેક ધારાસભ્યો બળવાના મૂડમાં છે અને તેઓ ભાજપના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ આખી રાજરમત કેસરિયા બ્રિગેડની વ્યૂહરચના મુજબ ચાલી તો અમરનાથ યાત્રાના સમાપન બાદ કાશ્મીરને સર્વપ્રથમ વખત હિન્દુ (મુખ્યમંત્રી વાળી) સરકારની ભેટ ભાજપ તરફથી મળશે. આઝાદ ભારતમાં પ્રથમ વખત જમ્મુ કાશ્મીર રાજય હિન્દુ મુખ્યમંત્રી નિહાળશે.
માત્ર એટલું જ નહીં, સૂત્રો કહે છે એ મુજબ કાશ્મીરના રાજયપાલ પદે પણ નવો ચહેરો જોવા મળી શકે છે. ભાજપ સંભવત: કોઈ નિવૃત લશ્કરી વડાને રાજયપાલ બનાવે તેવી પૂરી સંભાવના છે.
જો કાશ્મીરમાં ભાજપની સરકાર રચાય જાય તો ત્યાર પછી રાજયની સુખ શાંતિ પુન:સ્થાપવા કેવા પગલે લેવાશે તે જોવું રસપ્રદ બનશે અને ભાજપ સરકાર માટે તે એક મોટો પડકાર પણ હશે એમાં કોઈ શંકા નથી.
જમ્મુ-કાશ્મીરમાં સત્તાની બહાર થયા બાદ મહબૂબા મુફ્તીની પીપ્લ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી)માં બળવાખોરોની સંખ્યા વધતી જાય છે. બારામૂલાના ધારાસભ્ય જાવેદ હસન બેગે કહ્યું કે પાર્ટી પોતાના ધારાસભ્યોનું સન્માન નથી કરી રહી. હારનારા લોકો પીડીપી ચલાવી રહ્યા છે. બેગે કહ્યું કે લીડરશિપ ધારાસભ્યોને મહત્વ નથી આપતા અને આ આ પાર્ટી માટે મેં મારા જીવનના 20 વર્ષ બરબાદ કરી દીધા.
અહીં નોંધપાત્ર બાબત એ છે કે, કાશ્મીર માટે ભારતના બંધારણની કલમ 370 હેઠળ મહત્વના વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા છે. ભાજપના પ્રમુખ અમિત શાહ તાજેતરમાં આ અધિકારો રદ કરવાની નીતિ દર્શાવી હતી. આ મુદ્દે આ રાજયમાં જબરી રાજકીય ઉથલપાથલ સર્જાવાનો સંભવ છે. આ કલમને રદ કરવાનો ઠરાવ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાએ કરવો પડે.
પીડીપી પક્ષાંતર કરેલા ધારાસભ્યોએ આવા ઠરાવને ટેકો આપવો જ પડે, જે વર્તમાન પરિસ્થિતિમાં શકય નથી...
જો જમ્મુ-કાશ્મીરમાં ભાજપના મુખ્યમંત્રી બનશે તો કાશ્મીરની પ્રજા તેનો હિંસક વિરોધ કરવા સુધી પહોંચશે અને તે હિન્દુ મુખ્યમંત્રીને ભીંસમાં લેવાની સતત કોશીષો કરશે અને જો મુખ્યમંત્રી સખ્તાઇના ખાસ પગલા લેશે તો કોમી દાવાનળ સર્જાશે એમ જણાયા વિના રહેતું નથી.

Top News

No News Available